હરસિદ્ધિ માતા નો ઇતિહાસ હર્ષદ History Of Harsiddhi Mata

Harshad Mata temple

Feb 11, 2026 - 22:19
Feb 11, 2026 - 22:21
 0  6
હરસિદ્ધિ માતા નો ઇતિહાસ હર્ષદ History Of Harsiddhi Mata

હરસિદ્ધિ માતા નો ઇતિહાસ હર્ષદ 

હાલ જેનો વિક્રમ સંવત સૌરાષ્ટ્રના ગામોમાં છે. તે બાણુ લાખ ગામોના રાજા ઉજ્જૈનના પરદુઃખભંજક શ્રી વિક્રમાદિત્યના આરાધ્ય દેવી હરિસિદ્ધ માતાજી પોરબંદરથી દુર ૩૫ કિલોમીટર ગાધવી ગામની સમુદ્રની કોરીક્રિક પાસે આવેલ કોયલા ડુંગર ઉપર અને તળેટીનાં મંદિરમાં બિરાજે છે. તેઓ ભક્તોને હર્ષ આપનારા છે. તેથી તેનું બીજું નામ હર્ષદ માતાજી પણ પ્રખ્યાત થયું છે.

અહીં તેમની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણએ કરી છે. પુરાણ કથા પ્રમાણે શંખાસુર નામનો અસુર દ્વારકા પાસેના દરિયાઈ ટાપુ ઉપર રહેતો હતો. આ અસુર માયાવી અને મહાબળવાન હતો.

અને બાલકૃષ્ણ જયાં અભ્યાસ કરતા હતા તે આશ્રમમાંથી ગુરૂ સાંદીપની ઋષિનો પુત્ર ઉપાડી ગયો હતો. વિદ્યાભ્યાસ પૂરો થતા ગુરૂ માતાએ બાલ સખા સાથે કૃષ્ણ પાસે આ પુત્રને ગુરૂ દક્ષિણામાં માગ્યો હતો.

આથી શ્રી કૃષ્ણ ગુરૂપુત્રને મેળવવા અને અસુરનો સંહાર કરવા આ સમુદ્રકાંઠા સુધી આવ્યા પછી દરીયાની વચ્ચે રહેલાં શંખ ટાપુ ઉપર જવા માટે પોતાના કુળદેવી શ્રી અંબાજી માતાજીની સહાયતા માટે સ્તુતિ કરી પ્રાર્થના કરી. તેથી પ્રસન્ન થઈ મહામાયા ભક્તવત્સલા શ્રી અંબાજી અહીં પ્રગટ થયા અને શંખ ટાપુ ઉપર પહોંચવા આ અગાધ સમુદ્રના પાણી છીંછરા કરીને પાણી ઉપર ચાલવાની સહાય શ્રી શક્તિએ કરી આપી.

આથી શ્રી હરિ શંખ ટાપુ ઉપર જઈ શંખાસુરને માર્યો અને ગુરૂપુત્રને છોડાવી ગુરૂ માતા પાસે લાવ્યા, અસુર મરાયો તેથી ઋષિઓ અને દેવો હર્ષ પામ્યા. આ કઠીન કાર્યમાં કૃષ્ણને આદ્યશક્તિની સહાયથી સિદ્ધિ મળી હતી. તેથી આદ્યશક્તિ અંબા હરિસિદ્ધ કહેવાયા છે.

ગાદ્ય સંસ્કૃત શબ્દ છે. એનો અર્થ છે છીછરૂ, ઉંડુ નહીં તેવું, ચાલીને પાર કરી શકાય તેવું પાણીનું ક્ષેત્ર. અત્યારે પણ અહીં ગાધવી ક્ષેત્ર કહેવાય છે.

ભગવાન શ્રીકૃષ્ણએ અહીં મંદિર બનાવી અને તેમાં માતાજીની સ્થાપના કરી જે હરિસિદ્ધ માતાજી કહેવાયા. ઋષિવર સાંદીપનીને પુત્ર પાછો મળતાં ખૂબ હર્ષ થયો. તેમણે પ્રાર્થના પૂર્વક અરજ કરીકે હે માતા ! તમારા આ સ્થાનકે આવનાર ભક્તોને તમે સદાય હર્ષ આપનારા થાઓ. આથી તે લોકોમાં હર્ષદ નામથી વિખ્યાત થયા છે. અહીંથી દુર દરીયામાં જતાં આવતાં વહાણના દરેક નાવિક માતાનું ડુંગર ઉપરનું મંદિર સન્મુખ આવતાંજ શ્રીફળ અને ચુંદડી માતાજીના નામથી સમુદ્રમાં પધરાવતા હતા. તેથી આ ક્રિકમાં સુખરૂપ વહાણ વટી જતાં હોવાથી તે વહાણવટી માતાના નામથી પણ પ્રસિદ્ધ થયા છે.

આમ આ જગત જનની માતાને વિવિધ નામથી રાજા, શેઠ, સંઘાર સહુ પૂજે છે.

વિક્રમ સંવત પહેલા અહીં પ્રભાતસેન નામનો રાજા થઈ ગયો.

તે મિલનપુર કહેતા મિયાણી ગામમાં રાજ્ય કરતો હતો. તે મહારાજા વિક્રમાદિત્યનો માસી-ભાઈ થતો હતો.

એક સમયે વિક્રમ રાજા તિર્થાટન કરતા કરતા રણછોડરાયના દર્શને દ્વારકા ગયા હતા. એક દિવસ દેવાંગી અશ્વ ઉપર અહીંથી પસાર થતાં તેમને હરિસિદ્ધ માતાના દર્શન કર્યા અને મિલનપુર જઈ ભાઈને મળ્યા. બંને ભાઈઓ ઘણા પ્રેમથી મળ્યા ત્યારે વિક્રમ રાજા ખબર અંતર પૂછવા લાગ્યા કે, હે ભાઈ આપનું આ શરીર સુકુ નબળું કેમ છે, શું ચિંતા છે ? તે સત્ય મને કહો.

પ્રભાતસેન કહે ભાઈ મારી સાતેય રાણીઓ સાથે સામે શિખર ઉપર બિરાજતા માતા હરિસિદ્ધ સોળ શણગાર સજી રાસ-ગરબા ઘુમી રહ્યાં હતા. તેમની સુંદરતા જોઈને મારી કુ નજરથી તેમની અશાતના થઈ ગઈ છે તેથી મારા ઉપર માતાએ દંડ દીધો છે કે, નિત્ય મારે તેમના મંદિર જઈને તેલની ઉકળતી કડાઈમાં પડવું.

વિક્રમ કહે ચિંતા છોડી દે ભાઈ આજે તારા વતી હું માતા પાસે જઈશ. બીજા દિવસનાં સવારના પહોરમાં વિક્રમ રાજા માતાજીના મંદિરે આવ્યા અને પ્રાર્થના કરી કે હે માતા પરદુઃખ કાજે દેહ અર્પણ કરુ છું, કહી તેલની કડાઈમાં કુદી પડયા. આથી માતાજી તેમને પ્રસન્ન થયા અને વિક્રમ રાજાને આપેલ વરદાન મુજબ પ્રભાતસેન રાજાને દંડ માંથી મુક્ત કર્યો અને વિક્રમ રાજાની ઉજેણી નગરીનાં ક્ષિપ્રા નદીનાં તટ ઉપર બિરાજમાન થયા.

હરિસિદ્ધ માતાજીના આ બેજ પ્રચલિત સ્થાનક છે. આજે પણ આ મૂળ સ્થાનકે મંગલા આરતી સવાપહોર દિવસ ચડતા થાય છે. અને સાંજના સંધ્યા આરતી સૂર્યાસ્ત થયા બાદ થાય છે.

જ્યારે ઉજ્જૈનમાં સવાપહોર રાત્રી થતા માતાજીની આરતી થાય છે. અને મંગલા આરતી પ્રભાતના પહોરમાં થાય છે. પછી માતાજી ઉજ્જૈનથી અહીં ગાઁધવી મંદિરે પધારે છે.

વિક્રમ સંવત ૧૩૧૫ ની આ વાત છે. ત્યારે આ પ્રદેશમાં દુકાળ પડયો હતો. અહીં ક્યાંય પણ અનાજ મળે તેમ ન હોવાથી શેઠ જગડુશાએ આ દુકાળ વર્ષ પાર ઉતરવા માટે તેમને પોતાનાં અઢાર વહાણ લઈ બીજા દેશમાંથી અનાજ લઈ આવવા તેમના જમાઈને મોકલ્યા હતા. અનાજ ભરીને પાછા આવતા વહાણો રત્નાકર સમુદ્રમાં વિકરાળ તાંડવમાં ફસાઈ ગયા.

ત્યારે શેઠ જગડુશાએ માતાને પ્રાર્થના કરીકે હે માતા મારા અનાજના આ વહાણો સલામત કાંઠે આવે તેમ સહાય કરજો.

મારા મુલકની જીવાદોરી સમાન અનાજ તેમાં ભરેલ છે. દરિયાના આ કોપમાંથી સલામત પાર ઉતરીશું તો તમારૂ મંદિર ડુંગરની ટોચ ઉપરથી તળેટીમાં બંધાવીશું.

આથી વહાણો હેમખેમ કિનારે આવ્યા. પછી માનતા પ્રમાણે શેઠ જગડુશાએ તળેટીમાં અત્યારનું આ મંદિર બનાવ્યું છે, અને દુકાળ પાર ઉતારી માતાની આવી કૃપાથી હજારો જીવોને બચાવનાર જગતના શાહ તરીકે આજે પણ લોકોમાં પ્રખ્યાત છે.

જગડુશા દૈવીધામમાં ગયા પછી તેનાં કલેવરની પૂજા (પુરાકદની મુર્તી) માતાજીના નીજ મંદિરની ઉત્તર બાજુએ દેવ તરીકે પૂજાય છે.

માતાજીએ જગડુશાને વચન આપેલા છે કે વિક્રમના સંવતમાં પંદરમાં વર્ષમાં ક્યારેય દુકાળ પડશે નહીં. તેથી આ વરદાન પંદરની પાળ કહેવાય છે. માતાજીની આગળ જેઠવા રાજાઓએ અખંડ દીપ જ્યોત પ્રગટાવી છે. તે માતાજીની દક્ષિણ બાજુએ ચાંદીની દિવીમાં પ્રકાશે છે અને મહારાજ જામશ્રીએ પ્રગટાવેલ અખંડ જ્યોત ઉત્તર ભાગમાં પ્રકાશી રહી છે.

પોરબંદરથી શ્રી હરિસિદ્ધ માતાજીના મંદિરે જવા દર કલાકે બસ મળે છે. ભાટીયા રેલ્વે સ્ટેશનથી બસમાં હર્ષદ અવાય છે. તેમજ ભાટીયાથી જામનગર અને ઓખા જવા રેલ સેવા મળે છે.

હરિસિદ્ધ માતાજીનાં મંદિરનું સ્થળ ભાવિકોને અત્યંત આનંદ આપનાર છે અને અલૌકિક રત્નાકરનું સુંદર હજારો કુંજ પક્ષીઓથી ભરપુર છીંછરૂ દરીયાઈ સ્થાન છે. રોડ ઉપરથી ઠેક ઠેકાણે અનેક પવનચક્કી નજરે પડે છે. - અસ્તુ

હરિસિદ્ધ મૂળ સંસ્કૃત નામ છે. જે ગુજરાતીમાં હરિસિદ્ધ નું અપભ્રંશથી હરસિદ્ધિ બોલાય છે. હર્ષદ સદાય સહુને આનંદ આપે એજ પ્રાર્થના. - યોગેન્દ્ર દોશીના નમસ્કાર

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow