સોમનાથ મહાદેવ નો ઇતિહાસ પ્રભાસ સોમનાથ પાટણ
Somnath temple
પ્રભાસ સોમનાથ પાટણ
પોરબંદરથી માધવપુરની દરીયાઈ પટ્ટી રસ્તે સોમનાથ જૂનાગઢથી પાટણ રોડ રસ્તે ૯૮ કિલોમીટર છે. રેલ રસ્તે જવા જૂનાગઢથી વેરાવળ પશ્ચિમ રેલ્વેનું સ્ટેશન છે. ત્યાંથી રોડ રસ્તે ૫ કિલોમીટર દુર સોમનાથ આવેલ છે. સોમનાથ રેલ્વે સ્ટેશન સુધી ટ્રેન સેવા મળે છે. સોમનાથ સ્ટેશનથી મંદિર ૨ કીમી. દુર છે.
પશ્ચિમના સમુદ્ર તટ ઉપર જ્યાં સરસ્વતી નદી સાગરમાં મળે છે ત્યાંથી ભાદર નદી સુધીનો પ્રદેશ, ગીરના જંગલોમાં તુલસીશ્યામથી માધવપુર સુધીનો વિસ્તારમાં ભગવાન શંકર અતલ સુધી રહેલ હતા. અવકાશ અને પૃથ્વીની વચ્ચેના આ પ્રભામંડલમાં શીવજીની આરાધના કરવાથી પ્રભા અર્થાત તેજ-કાંતિ પ્રાપ્ત થાય તેવી આશા અને શ્રદ્ધાનું આ પવિત્ર ભૂ સ્થળ 'પ્રભાસ' કહેવાયું છે.
સોમનાથ મહાદેવ નો ઇતિહાસ
પુરાણકથા મુજબ એક સમયે ચંદ્ર પોતાની ચાતુરી ખોઈ બેઠો. વડીલની આજ્ઞા ન માનવાથી અને પત્નીઓનું અપમાન કરવાથી ચંદ્રનું પોતાનું તેજ નાશ થઈ ગયું અને પૃથ્વી ઉપર અમૃત વરસાવવા ચંદ્ર અશક્ત થઈ ગયો.
ચંદ્ર મહારાજને નક્ષત્ર નામવાળી ૨૭ પત્નીઓ છે, તે બધી દક્ષ પ્રજાપતીની પુત્રીઓ હતી. તેમાંથી રોહીણી નામવાળી પ્રિયતમ પત્ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્ન રહેતાં. બાકીની ૨૬ પત્નીઓ જે બધી સગી બહેનોજ હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી. એક દિ’ પિતા દક્ષ દિકરીઓને દુઃખી જાણી દુ:ભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે કૃપા કરી દરેક પત્નીઓ સાથે સરખો પ્રેમભાવ રાખો.
ચંદ્ર મહારાજે વડીલ સસરાની આજ્ઞા માની નહી. દિકરીઓને ઉદાસ રાખી અપમાનીત કરનાર ચંદ્રથી દુઃખી પિતા દક્ષરાજ નારાજ થયા અને આથી 'ચંદ્ર તારો ક્ષય થાવ' આવો શ્રાપ આપ્યો.
દિન પ્રતિદિને ચંદ્રની પ્રભા નષ્ટ થઈ ગઈ. ચંદ્રનાં તેજ વગર અન્ન ઔષધી રસ વગરના થઈ ગયા અને પ્રજા નષ્ટ થવા લાગી. આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી ચંદ્રએ રોહીણી સાથે પૃથ્વી અને અવકાશ વચ્ચેના આ ભૂ સ્થળે પ્રભાની આશા સાથે તપસ્યા શરૂ કરી. તપથી પ્રસન્ન થયેલ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપથી અંશત છુટકારો થયો અને પુનઃ પ્રભાયુક્ત થઈ ગયો અને ત્યારથી આ મુખ્ય તીર્થ પ્રભા-આશ કે પ્રભાસના નામથી વિખ્યાત થયું છે.
ત્યાર પછી બ્રહ્માએ કલાનિધાન અર્ધચંદ્રને ધારણ કરનાર ભગવાન શિવજીનું સ્થાપન ચંદ્ર અને રોહીણી પાસે સુવર્ણમય મંદિરમાં કરાવ્યું ત્યારથી અહીં સોમ-નાથ કે ચંદ્ર-પ્રભુના જ્યોતિર્લિંગનું આ સર્વ પ્રથમ દર્શન છે, તેથી સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ ગણાય છે.
પ્રભાસ આ સમયકાળનું સૌથી વધારે પવિત્ર સ્થળ હતું પાપ નિવારણ કરવાનો આ ક્ષેત્રનો ગુણધર્મ હતો.
કૃષ્ણ-બલરામ અને યાદવોની આ પવિત્ર ભૂમિ ઉપર ખુબજ પ્રિતિ હતી. ભગવાન શ્રી કૃષ્ણએ જીવનની અંતિમ ક્ષણો પણ આ ભૂમિ ઉપર ગાળીને દેહત્યાગ પણ અહીંજ કર્યો છે. દેવયોગે પૌત્ર વજ્રનાભ સિવાય સમગ્ર યાદવકુળનું અહીં પતન થયું છે.
પતન સંસ્કૃત શબ્દ છે જે ઉપરથી પટન થયું જે પાટણ બોલાય છે. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી રણભૂમિમાં કૌરવકુળનો સંહાર જોઈને સતી ગાંધારીએ રૂદન કરતા કરતા શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો કે 'તારા યદુકુળનો પણ સંહાર થઈ જાવ' દૈવ ઈચ્છાએ એક ઋષિની મશ્કરી કરતાં યાદવોને તેઓનું પતન થઈ જશે તેવા અશુભસમયની જાણ થઈ ગઈ હતી.
સમય વિતતા એક દિવસ આ પવિત્ર ભૂમિ ઉપર વિહાર કરવા આવેલ યાદવોનું પતન એકબીજા સાથે લડાઈ થવાથી થયું. અહીં યાદવા સ્થળી ઉપર યાદવો કપાઈ મર્યા તે સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા છોડી અહીં આવ્યા. આ ભૂમિ ઉપરથી સ્વધામ પધારી જવા માટે નક્કી કરીને તેઓ પીપળાના વૃક્ષ નીચે સ્થિર આસને આડો પગ રાખીને બીરાજમાન થયા. તેવે સમયે શિકાર કરવા નીકળેલ જર નામના શિકારીએ છોડેલું ભલ નામનું બાણ શ્રી કૃષ્ણના પગના તળીયામાં લાગ્યું. બાણથી ઘવાઈને શ્રી કૃષ્ણએ યોગ સમાધિમાં લીન થઈ અહીં દેહ ત્યાગ કર્યો તેથી આ ક્ષેત્ર 'ભાલકા’ તીર્થ કહેવાયું છે.
વેરાવળથી પાટણ જતાં રસ્તામાં પ્રથમ ભાલકા તીર્થ ક્ષેત્ર આવે છે. અહીં સોમનાથ ટ્રસ્ટે સુંદર ભાલકા તીર્થ મંદિર બનાવ્યું છે.
મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના આ અંતિમ યોગ સમાધિના સ્વરૂપના દર્શન થાય છે. અને ભવ્ય ભારતના ભૂતકાળમાં અનાયાસે જ સરી પડાય છે.
શ્રી કૃષ્ણના નશ્વર દેહનો અગ્નિ સંસ્કાર થયો તે સ્થળ અરબી સમુદ્રના કાંઠે ત્રિવેણી સંગમ ઉપર છે. સરસ્વતી, કપિલા અને હિરણ નદીના સંગમ સ્થાને આવેલ આ સ્થળને દેહોત્સર્ગ ક્ષેત્ર કહેવાયું છે.
શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ઉપદેશ કરેલ શ્રી ગીતાજીને લેખ શિલામાં મંદિરમાં કંડારેલ છે. મંદિરના ૧૮ આરસનાં સ્તંભ ઉપર ગીતાનાં દરેક અધ્યાય કોતરેલા છે. તેથી દેહોત્સર્ગ મંદિરને ગીતા મંદિર કહેવાય છે. ગીતા મંદિરમાં શ્રી કૃષ્ણની પુરા કદની શ્યામ મુર્તિ છે.
જેનું જીવન છે તેનું મરણ છે જ એવો શ્રી કૃષ્ણ અને અર્જુન સંવાદ ગીતાના શ્લોકમાં છે, અને ગમે તેવી કસોટીની ક્ષણોમાં જે મને ભુલતો નથી તે મારો ભક્ત છે. તેમ ભગવાન શ્રી કૃષ્ણ કહી ગયા છે. ભગવાનના દર્શન કરતા જાણે ફરી તેઓ આ વચન આપતા હોય તેમ આપણને લાગે છે !
ઘાટ ઉપર પીપળાનાં વૃક્ષ પાસે શ્રી કૃષ્ણના ચરણ પાદુકાની દેરી છે. અહીં ભાવિકો શ્રી ચરણ ઉપર ત્રિવેણીનું જળ ચડાવી શ્રી કૃષ્ણને અંજલી આપે છે અને પીપળાને પાણી ચડાવી પિતૃ તર્પણ કરે છે.
શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામજી પણ શ્રી કૃષ્ણની જીવન લીલા પુરી થતા, દેહોત્સર્ગનું અંતિમ કાર્ય પુરૂ કરી આ સ્થળેથી અતલ પાતાળમાં માનવ રૂપ બદલાવી શેષનાગના સ્વરૂપે પ્રવેશ કરી ગયા છે. આ સ્થળને બલદેવજીની ગુફા-વિવર કહે છે.
અહીં બલદેવજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલ છે. બાજુમાં જ લક્ષ્મી-વિષ્ણુનું સુંદર મંદિર છે. તથા અહીંયા વૈશ્નવાચાર્ય મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ શ્રીમદ્ ભાગવત પારાયણ કરેલ છે. મહાપ્રભુની ૮૪ બેઠકમાંની એક બેઠકજી આ પાવન જગ્યાએ છે.
આ સિવાય પ્રાચીન સૂર્ય દેવળ, રૂદ્રેશ્વર મહાદેવ, હિંગળાજની ગુફા, શંકરાચાર્યજીની ગાદી અને ગુફા, વેણેશ્વર મહાદેવ, દૈત્ય સુદન વિષ્ણુ મંદિર અને ભીડીયા પાસેના સમુદ્રમાં બાણગંગા મહાદેવ, ભીડીયા ગણેશજી વગેરે પ્રાચીન પાવનકારી સ્થળો છે.
સોમનાથના બસ સ્ટેશન પાસેજ સોમનાથ મહાદેવનું પ્રાંગણ આવે છે. થોડે દુર રાણી અહલ્યાબાઈનું સ્થાપેલ સોમનાથનું જૂનું શિવ મંદિર આવેલ છે. મોગલોના પતન પછી મરાઠા સરદાર ધનાજી જાદવે સૌરાષ્ટ્ર સર કર્યું. ત્યારે ઈંદોરના હોલકર મહારાણી અહલ્યાબાઈએ પુરાણા ખંડિત શિવમંદિરથી થોડે દુર સોમનાથનું આ શિવમંદિર ઈ.સ. ૧૭૮૩માં બંધાવ્યું છે. નીચે ભૂગર્ભમાં ભવ્ય શિવલીંગ સહ ઉમાની કાળાપાષાણની મૂર્તિના દર્શન અને પૂજન કરવાનો બેવડો લાભ યાત્રિક જાતેજ લઈ શકે છે.
સોમનાથના મંદિરો હજારો વર્ષમાં વારંવાર બન્યા છે. રાજા રાવણે રજતનું મંદિર બનાવેલ, રાજસૂય યજ્ઞ પછી સમ્રાટ યુધિષ્ઠિરે સુગંધી ચંદન કાષ્ટનું વિશાળ શિવમંદિર બનાવેલ.
કાળાંતરે અનેક સમ્રાટો, મહારાજ ભોજ, રાજા ભીમે, રાજા મહીપાલે શિવમંદિર બનાવેલ છે, અને ગિજનીના મહંમદે, અલાઉદ્દીન ખીલજી, મહંમદ બેગડો અને મોગલશાહ ઔરંગઝેબની ધર્મ અસહીષ્ણુતાથી રત્નો અને સંપતિયુક્ત મંદિરો તોડીને લુંટયા છે, તેનો નાશ કર્યો છે.
સમયાંતરે ભારતની સંસ્કૃતિએ ભગવાન શંકરના આ સનાતન જ્યોતિર્લિંગની અહીં ફરી ફરી સ્થાપના કર્યાજ કરી છે.
સમયના અનેક વહેણ વહી ગયા પછી દેશ આઝાદ થયો ત્યારે ઈ.સ. ૧૯૪૭માં ભારતના લોકપ્રિય 'લોખંડી પુરૂષ' સરદાર વલ્લભભાઈએ સમુદ્રનું જલ હાથમાં લઈ સોમનાથના જીર્ણ-શીર્ણ પુરાણા ખંડીયેર, ભગ્ન શિવમંદિરની જગ્યાએજ નવું સોમનાથનું મંદિર કરવાનું નક્કી કર્યું. શિવજીના મહામેરૂપ્રસાદ મંદિરનો અહીં શિલારોપણ ઈ.સ. ૧૯૫૦ના ૮મી મેના રોજ થયો.
ઈ.સ. ૧૯૫૧ના ૧૧ મી મે, વિક્રમ સંવત ૨૦૦૭ના વૈશાખ સુદ-૫ ના દિવસે પ્રભાતે ૯-૪૭ કલાકે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે ભગવાન સોમનાથની પ્રતિષ્ઠા વિધિ કરી છે.
છેલ્લા હજારો વર્ષથી આ તેજ બ્રહ્મશિલા તેમની તેમજ છે,
જ્યાં આજે જ્યોતિર્લિંગ સોમનાથ નવા બંધાયેલ 'મહામેરૂ પ્રસાદ' મંદિરમાં પ્રકાશી રહ્યું છે.
સોમનાથ મહાદેવની આરતી સવારે ૭ વાગ્યે, બપોરે ૧૨-૦૦ વાગ્યે અને સાંજે સૂર્ય અસ્ત થવાના સમયે થાય છે. સવારના ૬થી રાત્રીના ૯ વાગ્યા સુધી દર્શન થઈ શકે છે.
સોમનાથ મંદિર માટે પ્રાણ આપનાર હમીરજીનો પાળીયો અને કર્પદી ગણેશ તથા હનુમાનજીના સ્થાનકો આ ચોગાન મધ્યે છે.
પ્રાચિન ગ્રંથો અને ઈતિહાસના આધારે શ્રી દિગ્વિજય દ્વાર નવાનગરના રાજમાતાએ તૈયાર કરાવ્યું છે.
શ્રી દિગ્વિજય દ્વાર સામેજ સરદારની પ્રતિમા શોભી રહી છે.
બાજુમાંજ રાજ્ય સરકારનું મ્યુઝીયમ છે. જેમાં પુરાણા સોમનાથ મંદિરના પત્થરના શિલ્પો-શિલાલેખોની વિશાળ શ્રેણી પ્રદર્શિત છે. સોમનાથ મંદિરની પુનઃ પ્રતિષ્ઠાને ઈ.સ. ૨૦૦૦માં ૫૦ વર્ષ પુરા થતા મંદિરનો સુવર્ણ મહોત્સવ થયો હતો.
અહીંથી થોડા અંતરેજ જૈનોનું પવિત્ર તિર્થ ‘ગજેન્દ્રપૂર્ણ પ્રસાદ’ નામનું ભવ્ય જૈન મંદિર આવે છે.
વર્તમાન ચોવીશીના ૮માં તિર્થંકર ચન્દ્રપ્રભુનું મંદિરમાં દર્શન થાય છે. બાજુમાં દોકડીયા પાર્શ્વનાથ બિરાજે છે.
ત્રણ મજલાના આ ભવ્ય મંદિરના ઉંચા શિખરેથી લીલા સાગરનું મનોરમ દ્રશ્ય સદાને માટે હૈયામાં જડાઈ જાય છે. આ ભવ્ય જિનાલય નીચે ભૂમિ મંદિર છે જે આગમ મંદિર કહેવાય છે. અહીં પવિત્ર આગમના અધ્યાય સુરક્ષિત કરી રાખ્યા છે. બીજે ક્યાંય ન જોયેલું આ અપૂર્વ આગમ દર્શન છે.
દરેક જૈનો માટે જે ગિરનાર યાત્રાએ આવ્યા હોય તેઓ પ્રભાસના આ ક્ષેત્રમાં આવેલ ચંદ્રપ્રભુજી અને દોકડીયા પાર્શ્વનાથનું મંદિર, ૨૪ તિર્થંકરના ચૈત્ય મંદિર અને આગમ મંદિર, ચકેશ્વરી માતાના પૂજન અને દર્શન તથા વિશેષમાં સોમનાથ મહાદેવના મંદિરનું દર્શન જીવનનો બેવડો લહાવો બની રહેશે એટલી સહુ ખાત્રી રાખે.
અહીં દરેક જૈનો માટે ઉતરવા, રહેવા જમવાની દરેક સગવડ છે. જૈનગ્રંથોમાં પ્રભાસ પાટણને 'ચંદ્ર પ્રભાસ' નામે ઓળખાવેલ છે.
જય સોમનાથ - જય ચંદ્ર પ્રભુ
What's Your Reaction?